Thursday, November 8, 2012

ફેસ્ટિવલ MOOD

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
ભારત તહેવારોનો દેશ છે. તહેવારો માણસની લાગણીઓ,સંવેદનાઓ અને માનસિકતા પ્રગટ કરે છે. આપણા તહેવારો સાથે ધર્મ જોડાયેલો છે અને દરેક વિશિષ્ટ દિવસ સાથે એક મર્મ જોડાયેલો છે. દરેક તહેવાર માણસમાં થોડીક પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે. દરેક તહેવારથી માણસ થોડોક સમૃદ્ધ થાય છે. તેમાં પણ દિવાળીની તો વાત જ નિરાળી છે. દિવાળીમાં રંગ છે, રંગોળી છે, પ્રકાશ છે, દીવા છે, ધૂમધડાકા છે, ચોપડાનું પૂજન છે અને નવા વર્ષની શરૂઆત છે. અત્યારે લોકો પર ફેસ્ટિવલ મૂડ છવાયો છે. કંઈ વાત હોય તો લોકો કહે છે કે હવે દિવાળી પછી વાત. કારણ કે દિવાળી પછી નવી શરૂઆત છે. અત્યારે તો બસ એન્જોય કરવા દો. તહેવારોની એ ખૂબી છે કે માણસ ઉદાર અને દયાળુ બની જાય છે. દિવસ તો દિવસ જેવો જ હોય છે પણ આપણો મૂડ જુદો હોય છે. આવતા બુધવારે ન્યૂ યર છે. વર્ષનું આ છેલ્લું અઠવાડિયું દિલ ખોલીને જીવી લ્યો. હેવ એ ગ્રેટ ફેસ્ટિવલ ડેઝ.
તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે તહેવારો ન હોત તો શું થાત? લાઈફ કેટલી બોરિંગ અને મોનોટોનસ બની જાત?તહેવારો યુનિવર્સલ છે. દરેક દેશ અને દરેક લોકો પાસે પોતાના તહેવારો છે. એ જ બતાવે છે કે તહેવારો માણસજાત માટે કેટલા મહત્ત્વના છે. તહેવારો રૂટિન લાઈફને એક બ્રેક આપે છે. તહેવારો હસવાનું, મજા કરવાનું, ખુશ થવાનું અને ખુશ કરવાનું બહાનું આપે છે. તહેવારનો દિવસ જુદો હોતો નથી પણ આપણો મૂડ જુદો હોય છે. સૂરજ દરરોજની જેમ જ ઊગે છે અને ઘડિયાળ એની ગતિએ જ ચાલતી હોય છે, છતાં તહેવારના દિવસે આપણે જુદા હોઈએ છીએ.
તહેવારએ એવો દિવસ છે જ્યારે માણસને એમ થાય છે કે એટલિસ્ટ આ દિવસ પૂરતું બધું ભૂલી જઈએ. આ દિવસને જરાક જુદી રીતે જીવી લઈએ. ફેસ્ટિવલ મૂડની એક અનોખી સાઇકોલોજી છે. તહેવારના દિવસે બધું જ સારું લાગે છે. આખું વાતાવરણ જુદું લાગે છે. તહેવારો બધા લોકોનો મૂડ બદલે છે એટલે એક એવી માસ સાઇકોલોજી ખડી થાય છે જે આપણો મૂડ અને મિજાજ બદલાવી નાખે છે. તહેવાર માણસની પ્રકૃતિ બદલે છે. માણસ સારો થાય છે અને તેને કંઈક સારું કરવાની ઇચ્છા થાય છે. સારું કદાચ ન કરે તો પણ માણસ તહેવારના દિવસે બૂરું તો કરતો જ નથી.
તહેવાર માણસને સંવેદનશીલ બનાવી દે છે. એક્સિડન્ટ્સ આમ તો રોજ થતા હોય છે પણ તહેવારના દિવસે કંઈ અજુગતું થાય તો આપણને થોડીક પીડા વધુ થાય છે. સાવ અજાણી વ્યક્તિ સાથે પણ કંઈ અજુગતું થાય તો આપણને વેદના થાય છે. તહેવારના દિવસે કંઈક સારું થાય તો આપણો આનંદ બેવડાઈ જાય છે.  વીતી ગયેલા તહેવારો સાથે આપણી ઉમદા યાદો જોડાયેલી હોય છે. દરેક તહેવાર આપણને પ્રકૃતિથી થોડોક નજીક લઈ જાય છે, સંબંધની નજીક લઈ જાય છે, પ્રેમની નજીક લઈ જાય છે અને આપણે પણ આપણી નજીક જતાં હોઈએ છીએ.
દરેક દેશ, દરેક ધર્મ, દરેક સમાજ અને દરેક વ્યક્તિ માટે એક ’માસ્ટર ફેસ્ટિવલ’ હોય છે. એ તહેવારનું મહત્ત્વ આપણી જિંદગીમાં અને આપણા દિલમાં સૌથી વધુ હોય છે. તમને સૌથી વધુ કયો તહેવાર ગમે છે? અને એ તહેવાર શા માટે વધુ ગમે છે ? બધા પાસે અંગત અને પોતીકાં કારણો હોય છે. દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. દરેક તહેવાર આપણે ત્યાં ઝૂમખામાં આવે છે. એક દિવસનો તહેવાર આપણને અધૂરો લાગે છે. નવરાત્રિ નવ દિવસની છે તો સાતમ આઠમ પણ છઠ્ઠથી શરૂ થઈ જાય છે. હોળી સાથે ધુળેટી છે. ગણપતિનો ઉત્સવ દસ દિવસ ચાલે છે. તહેવારથી સંતોષ થવો જોઈએ. આપણે ધરાઈ જવા જોઈએ. દિવાળી આમ જુઓ તો પાંચ દિવસનો તહેવાર છે. ધનતેરસથી ભાઈબીજ સુધી આપણે દિવાળી ઊજવીએ છીએ.
દિવાળીનો ફેસ્ટિવલ મૂડ આમ તો નવરાત્રિથી જ શરૂ થઈ જાય છે. શરદપૂર્ણિમાથી જ આપણે દિવાળીનાં પ્લાનિંગમાં લાગી જઈએ છીએ. દિવાળીનું એક ટાઈમટેબલ છે, દિવાળીનું એક ડિમાન્ડ લીસ્ટ છે. આટલું તો જોઈએ જ. ફટાકડા, દીવા, રંગોળીના રંગો, મીઠાઈ અને નવાં કપડાં. એ સિવાય નાનું મોટું બીજું ઘણું. કારથી માંડીને ટીવી, ફ્રીજની ખરીદી પણ લોકો યાદગીરીના ભાગરૂપે તહેવારો પર કરે છે. દશેરાના દિવસે વાહન લેવાનું ચલણ છે, તો દાગીનાની ખરીદી માટે આપણી પાસે પુષ્ય નક્ષત્રનું બહાનું છે. ધનતેરસના દિવસે નાનો મોટો દાગીનો ખરીદવાની પણ એક પરંપરા છે. બીજી રીતે જોઈએ તો આ બધાં જ ખુશ થવાનાં અને ખુશ કરવાનાં કારણો છે, જીને વાલે કો જીને કા બહાના ચાહિયે અને તહેવારથી વધુ આવા મોકા બીજું કોણ આપે છ?
તહેવારોનો આનંદ બેવડાવવાનું એક કારણ બોનસ છે. એક સમય હતો, જ્યારે સરકારી કચેરીઓ, મિલો, ફેક્ટરીઓ અને કંપનીઓમાં બોનસ મળતું એ સાથે જ બજારમાં દિવાળીની રોનક આવી જતી. દિવાળી વિશે એક ૪૫ વર્ષની વ્યક્તિએ સરસ વાત કરી. તેણે કહ્યું કે નાના હતા ત્યારે દિવાળી ઊજવવાનો જુદો આનંદ હતો અને હવે આનંદ બદલાયો છે. નાના હતા ત્યારે દિવાળી માણવી હતી, મજા કરવી હતી. મોટા થયા પછી સંતાનોને અને પરિવારજનોને મજા કરાવવાનો આનંદ આવે છે. છોકરાંવ ખુશ તો આપણે ખુશ. આપણાં દેશમાં એવા લોકોની સંખ્યા નાની નથી કે જેઓ ગમે તેમ કરીને છોકરાંઓની દિવાળી સારી જાય એવું કામ છાનુંછપનું કરી નાખે. ઉછીના કે હપ્તે હપ્તે વસ્તુઓ લઈને પણ મજા કરાવવાની. દિવાળીના તહેવારોમાં બાળકો ખુશ હોવાં જોઈએ. પોતાના લોકોને ખુશ જોઈને ખુશ થવાનો આનંદ જ અનેરો હોય છે.
નવું વર્ષ આપણા માટે અલગ જ અનુભવ લઈને આવે છે. વડીલોને યાદ કરી કરીને પગે લાગવા જવાનું. એક શહેરમાં રહેતા હોઈએ અને ન જઈએ તો સાંભળવું પડે કે બહુ મોટા માણસ થઈ ગયા છોને કંઈ? અમે તો તમારા માટે કોઇ દિવસ ટાઈમ જોયો નથી અને હવે તમને સપરમા દહાડે પણ મોઢું બતાવવા આવવાનો સમય નથી. આમ જુઓ તો બેસતા વર્ષના દિવસે થાકીને ઠૂસ જ થઈ જતાં હોઈએ છીએ. જો કે એ તહેવારની સાચી મજા જ થાકી જવામાં છે. સવારે ઊઠીને તૈયાર થયા હોય એ પહેલાં લોકો સાલમુબારક કહેવા આવી જતાં હોય છે. બધા મનમાં એમ જ બોલતાં હોય છે કે તૈયાર તો થવા દો યાર. વડીલોનું એક મોટું કામ છોકરાંવને વહેલા ઉઠાડીને તૈયાર કરવાનું જ હોય છે.
દરેક દિવાળીએ એક બીજું કામ શું થાય છે એની તમને ખબર છે? જૂની દિવાળી અને નવી દિવાળીની સરખામણી. જૂના સમયમાં કેવું હતું અને નવા સમયમાં કેવું છે? અગાઉના સમયમાં તો દરરોજ મંદિરે જતાં, અલબત્ત, હજુ ઘણાં લોકો મંદિરે જાય જ છે. ખાસ દિવાળીએ જ અમુક મંદિરે જવાની પરંપરા છે. દરેક શહેરમાં અમુક તહેવારો માટે અમુક મંદિરો ફિક્સ હોય છે. અગાઉના સમયમાં દિવાળી અને નવા વર્ષનાં ગ્રિટિંગ્સ કાર્ડ મોકલતા. પોસ્ટ ઓફિસીસ પર દિવાળી કાર્ડ માટે ખાસ વ્યવસ્થાઓ થતી. હવે મોબાઈલ, એસએમએસ, ઇમેઈલ્સ અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સે એ કામ હળવું કરી દીધું છે. દિવાળીના દિવસે મોબાઈલનું ઇનબોક્સ ગ્રિટિંગ એસએમએસથી ફુલ થઈ જાય. કાર્ડ કરતાં એસએમએસ સસ્તા પડે છે. કાર્ડ લખવામાં કડાકૂટ હતી. એડ્રેસ લખવાનાં અને પોસ્ટ કરવાનાં. હવે બે ચાર બટન દબાવવાથી શુભેચ્છા પાઠવાઈ જાય છે. ઘણા લોકો એસએમએસમાં નીચે પોતાનું નામ નથી લખતાં એટલે આપણને ઘણી વાર તો એ પણ ખબર નથી પડતી કે આ મેસેજ કયા મહાનુભાવે મોકલ્યો છે. આપણે પણ કોઈ પરવા કર્યા વગર શુભેચ્છા રિપ્લાય કરી દઈએ છીએ, એમ જાણીને કે કોઈ જાણીતા હશે તો જ મોકલ્યો હશેને! પહેલાંના સમયમાં મોટો પરિવાર હોય તો ઘરમાં દરજી બેસાડવાની પરંપરા હતી. દરજીભાઈ ઘરે જ રહે, ઘરે જ જમે અને ઘરના એક સભ્ય બની જાય. આ દરજીભાઈને ઘરના લોકોના ગમા અણગમા અને સ્ટાઈલની ખબર હતી. હવે રેડીમેડ અને બ્રાન્ડેડ કપડાંનો જમાનો છે. નવા વર્ષના દિવસે પગે લાગવા આવનારને કડકડતી નોટ આપવાની પરંપરા હજુય આપણે ચાલુ રાખી છે. નાના હોઈએ ત્યારે ગણતાં કે કેટલા ભેગા થયા? કોણે ઓછા આપ્યા અને કોણે વધુ આપ્યા? ઉદાર અને ચિંગુસની છાપ નવા વર્ષના પહેલા દિવસે જ થતી.
દિવાળીની એક બીજી કોઈ મજા હોય તો એ છે રિઝોલ્યુશન પાસ કરવાની. આ વર્ષથી આપણે ચેન્જ થઈ જવાના છીએ, આવું જ કરવાનું અને આવું નહીં જ કરવાનો નિયમ પણ આપણે લઈએ છીએ. મોટા ભાગે તો બેસતા વર્ષનું રિઝોલ્યુશન લાભપાંચમ સુધી પણ નથી ટકતું. મહત્ત્વ એ વાતનું નથી કે એ ટકતું નથી. મહત્ત્વનું એ છે કે આપણને આપણામાં જ કંઈ બદલવાની ઇચ્છા થાય છે. રિઝોલ્યુશન બતાવે છે કે આપણા બધામાં બદલાવવાની એક તૈયારી છે. તમે યાદ કરો કે ગઈ દિવાળીએ તમે શું નક્કી કર્યું હતું? અને આ દિવાળીએ શું નક્કી કરવાના છો ? તમને ખબર છે તમે જે રિઝોલ્યુશન કર્યાં હશે કે કરવાના હશો એ મોટાભાગે સારું જ હશે. એ જ આ તહેવારની ખૂબી છે. પળાય કે ન પાળી શકાય એ જુદી વાત છે, સાચી વાત એ જ છે કે આપણો ઈરાદો નેક હોય છે.
ફેસ્ટિવલ મૂડ વિશે એક સાઇકિયાટ્રિસ્ટ મિત્ર સાથે વાત થઈ. તેણે કહ્યું કે મૂડ એ ટેમ્પરામેન્ટ અને પર્સનાલિટી કરતાં જુદી વસ્તુ છે. ટેમ્પરામેન્ટ કે પર્સનાલિટી બદલાતા નથી, મૂડ બદલાતો રહે છે. ફેસ્ટિવલ સમયમાં માણસ બહુ ઋજુ બની જાય છે. એ સુખ કે દુઃખની અનેક ગણી અનુભૂતિ કરે છે. તમે અમસ્તું અમસ્તું કંઈક કહો તો પણ માણસને લાગી આવે છે. સારા દિવસે પણ આવું કરવાનું? એવી જ રીતે કોઈ માટે જરા અમથું કંઈક કરો તો પણ એને મોટી વાત લાગે છે. મનોચિકિત્સકો તો એવી પણ સલાહ આપે છે કે તહેવારના દિવસોમાં બહુ સમજી વિચારી અને જાળવીને વર્તન કરવું, કારણ કે માણસના દિલને તેની સીધી અસર થાય છે. અમુક દિવસે થયેલી વાતો ક્યારેય ભુલાતી નથી પછી એ સારી હોય કે ખરાબ. કોઈ નારાજ હોય તો એને મનાવી લેવાનો સૌથી મોટો મોકો દિવાળીનો છે. ગમે એવી જડ વ્યક્તિ પણ આ દિવસે માફી આપી દે છે. કે જતું કરી દે છે.
દિવાળીને અને સમજદારીને કેટલું લાગેવળગે છે? આમ તો એ કહેવું અઘરું છે છતાં લોકો એવું તો કહેતા જ હોય છે કે તારા કરતાં મેં વધુ દિવાળી જોઈ છે. આપણા બધાની જિંદગીમાં હમણાં એક વધુ દિવાળી ઉમેરાઈ જશે. આપણે ખરેખર આ એક વર્ષમાં કેટલા સમજુ થયા છીએ?
દિવાળી હવે થોડી બદલાઈ છે. હવે દિવાળી પર ફરવા જવાનો ટ્રેન્ડ છે. બેસતા વર્ષે બોણી થઈ જાય પછી બધું છેક લાભપાંચમે શરૂ થાય છે. દિવાળીની ઝંઝટમાંથી બચવા માટે પણ ઘણા ફરવા ચાલ્યા જાય છે. માંડ માંડ રજા મળે છે તો મજા ન કરીએ? ઘરે હોય તો લોકોની સેવા અને સ્વાગતમાંથી જ નવરાં ન પડીએ. તો ઘણા લોકો વળી દિવાળી ઊજવીને ભાઈબીજના દિવસે ફરવા જાય છે. તહેવારની મજા પણ માણવાની અને ફરવાનું પણ બાકી નહીં રાખવાનું. પસંદ અપની અપની, ખયાલ અપના અપના. હજુ ઘણાં વડીલોને દિવાળીએ ફરવા ચાલ્યા જવાની વાત પસંદ આવતી નથી. દિવાળી તો ઘરમાં જ મનાવવી જોઈએ. એ દિવસે ભગવાન અને લક્ષ્મીજી ઘરે પધારે એટલે ઘર બંધ ન રખાય એવી પણ માન્યતા છે. જે લોકો સારું માનતા હોય અને ખરાબ માનતા હોય એની માન્યતાઓ એને મુબારક. સરવાળે તહેવારનો આનંદ આવવો જોઈએ.
આમ તો દિવાળી એ ચર્ચાનો વિષય જ નથી, એ તો માણવાનો અવસર છે. રવિવારે ધનતેરસ છે, હજુ ચાર દિવસ આડા છે. ફેસ્ટિવલ મૂડ અત્યારે હાઈ લેવલ પર હશે. બાય ધ વે, તમે પ્લાનિંગ કરી લીધું છે કે નહીં ? એન્જોય કરવામાં કંઈ બાકી ન રાખતા, કારણ કે હવે એન્જોય કરવાના દિવસો ઘટતા જ જાય છે. તહેવારની દરેક ક્ષણને મન ભરીને માણો. ફરગેટ એવરિથિંગ, જસ્ટ રિલેક્સ એન્ડ એન્જોય. હેવ એ ગ્રેટ ફેસ્ટિવલ ડેઝ.
(સંદેશ. તા.7મી નવેમ્બર,2012. બુધવાર. અર્ધસાપ્તાહિક પૂર્તિ, દૂરબીન કોલમ )

Wednesday, November 7, 2012

ધનતેરસઃ ધન પૂજનનો શ્રેષ્ઠ અવસર


પૂજન પર્વ - પ્રશાંત પટેલ
ધનતેરસ : રવિવાર ૧૧ નવેમ્બર, ૨૦૧૨
ધનતેરસના દિવસે ધન તથા માતા લક્ષ્મીજીનાં પૂજન પાછળ પણ એક કથા જોડાયેલી છે, તે પ્રમાણે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ સુધી ખેડૂતને ત્યાં રહેવાનું છે. આ તેર વર્ષ દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં ખૂબ વૃદ્ધિ થઈ. શાપની અવધિ પૂર્ણ થઈ અને ભગવાન વિષ્ણુ જ્યારે તેમને પાછાં લેવા આવે છે ત્યારે ખેડૂતે તેમને જતાં રોક્યાં ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વરદાન આપ્યું કે ધનતેરસના દિવસે દીવા પ્રગટાવીને જે વ્યક્તિ ધન પૂજન તથા મારું પૂજન કરશે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.
યમરાજને દીપદાન
પરંપરા અનુસાર ધનતેરસની સંધ્યાએ યમરાજનું પૂજન કરવામાં આવે છે તથા દક્ષિણ દિશામાં તેમના માટે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તેની પાછળ એક પ્રચલિત કથા છે. એ કથા પ્રમાણે એક વાર યમરાજાએ પોતાના દૂતોને પ્રશ્ન કર્યો કે, 'શું તમને પ્રાણીઓના પ્રાણ હણતી વખતે કોઈ પણ પ્રાણી ઉપર દયા આવી છે?' આ પ્રશ્ન સાંભળીને યમદૂતોએ એક સ્વરમાં કહ્યું, 'મહારાજ અમે બધા તો તમારા સેવક છીએ અને તમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારો ધર્મ છે, તેથી દયા અને મોહ-માયા સાથે અમારે કંઈ લેવા-દેવા નથી.'
યમરાજે ફરીથી તેમને નિર્ભય બનીને સાચું જણાવવા કહ્યું, ત્યારે યમદૂતોએ જણાવ્યું કે, 'એક દિવસ હંસ નામનો એક રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો અને ગાઢ જંગલમાં પોતાના સાથીદારોથી વિખૂટો પડીને બીજા રાજ્યના સીમાડામાં પહોંચી ગયો. તે રાજ્યના રાજાનું નામ હેમ હતું. તેમણે હંસનો રાજકીય સત્કાર કર્યો. તે જ દિવસે હેમની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પરંતુ જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે વિવાહના ચોથા જ દિવસે આ બાળકનું મૃત્યુ થશે. આ દુઃખદ રહસ્ય જણીને હેમ રાજાએ પોતાના નવજાત પુત્રને યમુનાના તટ પર એક ગુફામાં મોકલી દીધો અને ત્યાં જ તેના ઉછેરની શાહી વ્યવસ્થા કરી. કોઈ પણ યુવતીનો પડછાયો પણ તેના પર ન પડે તેનું ધ્યાન રાખ્યું, પરંતુ વિધિનું વિધાન અડગ હતું.
એક દિવસ રાજા હંસની પુત્રી ફરતાં-ફરતાં યમુના તટે આવી અને રાજકુમારને જોતાં જ તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમારની પણ આ જ દશા હતી, તેથી બંને જણે તે સમયે ગાંધર્વવિવાહ કરી લીધા. વિધિના વિધાન અનુસાર ચાર દિવસ પછી રાજકુમારનું મૃત્યુ થઈ ગયું.
યમદૂતોએ યમરાજને જણાવ્યું કે, 'તેમણે આવી સુંદર જોડી પોતાના જીવનમાં પહેલાં ક્યારેય નથી જોઈ. તેઓ કામદેવ અને રતિ જેવા સુંદર હતાં, તેથી રાજકુમારના પ્રાણ હરણ કર્યા પછી નવવિવાહિતા રાજકુમારીનો કરુણ વિલાપ સાંભળીને અમારું કાળજુ કંપી ઊઠયું.'
આખી ઘટનાનો વૃત્તાંત સાંભળ્યા પછી યમરાજાએ યમદૂતોને કહ્યું કે, આસો વદ તેરસના દિવસે જે પણ વ્યક્તિ ધન્વંતરિ દેવનું પૂજન અને મારા માટે દીપદાન કરશે તે અકાળ મૃત્યુથી બચી જશે.
એવી માન્યતા છે કે ત્યારથી ધન્વંતરિ અને યમરાજનું પૂજન કરવાની તથા દક્ષિણ દિશામાં તેર દીવા પ્રગટાવવાની પ્રથા શરૂ થઈ. આ સિવાય ધનતેરસના દિવસે ઘરનાં તૂટેલાં-ફૂટેલાં વાસણોને બદલીને નવાં વાસણો તથા સોનાં-ચાંદીનાં ઘરેણાં કે વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. 
કુબેર પૂજન
ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે લંકાના રાજા રાવણે કુબેરની સાધના કરી તેમને પ્રસન્ન કરીને સુવર્ણની લંકા બનાવી હતી. ચાંદી એ કુબેરની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી કરવાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તિજોરી અને કુબેર યંત્રનું પૂજન પણ કરવામાં આવે છે.
ધન્વંતરિ દેવનો જન્મદિવસ
જેરીતે સમુદ્રમંથન દરમિયાન તેમાંથી માતા લક્ષ્મી ઉત્પન્ન થયાં હતાં તે જ રીતે ભગવાન ધન્વંતરિ પણ અમૃત કળશ લઈને સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થયા હતા. માતા લક્ષ્મી ધનનાં દેવી છે, પરંતુ તેમની કૃપા મેળવવા માટે શારીરિક સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પણ હોવું જોઈએ. આસો વદ તેરસના દિવસે ધન્વંતરિનો જન્મ થયો હતો, તેથી ધનતેરસે ધન્વંતરિ જયંતી મનાવવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. ધન્વંતરિને દેવોના વૈદ્ય માનવામાં આવે છે,તેથી વૈદ્યો અને ચિકિત્સકો આ દિવસે ધન્વંતરિ દેવનું પૂજન કરે છે. ધન્વંતરિ જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ધન્વંતરિ કળશ (પાત્ર, વાસણ) લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. એવું પણ કહેવાય છે કે ધનતેરસના દિવસે ધન અથવા વસ્તુ ખરીદવાથી તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. પિત્તળ એ ધન્વંતરિની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે પિત્તળની ખરીદી કરવાથી આરોગ્ય, આયુષ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.