Sunday, October 13, 2013

દશેરા પર શા માટે ખવાય છે ફાફડા-જલેબી?


અમદાવાદ, 13 ઓક્ટોબર

છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતના મહાનગરોમાં દશેરાને દિવસે સવારે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે પરંતુ આ પરંપરા શા માટે અને ક્યારથી શરૂ થઈ એ કદાચ ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને શાશ્કુલી કે જેને આજે આપણે જલેબી કહીએ છીએ, તે ખૂબ ભાવતી હતી. એમના પરમભક્ત હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાનગી વધુ ભાવતી હતી. આથી જ આજે પણ હનુમાનજીને બુંદીના લાડુનો પ્રસાદ ચડાવવામાં આવે છે. ભગવાન શ્રીરામે દશેરાને દિવસે રાવણનો વધ કર્યો એની ખુશીમાં નગરજનોએ શાશ્કુલી(જલેબી) ખાઈને ખુશાલી મનાવી હતી. સૈકાઓ બાદ ગુજરાતના મહાનગરના લોકોએ દશેરાને દિવસે જલેબી ખાવાની પરંપરા શરૂ કરી દીધી. મીઠાઈની મજા તો ત્યારે જ આવે કે જ્યારે એની સાથે ફરસાણનો ચટાકો હોય! જો રામને પોતાની પ્રિય વાનગીની સાથે ફરસાણનો સાથ જોઈતો હોય તો રાવણ સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનારા હનુમાનજીને પ્રિય ચણાના લોટમાંથી બનેલા ફાફડા જ ઉત્તમ વિકલ્પ છે. આમ દશેરાને દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા શરૂ થઈ. જે આજ દિન સુધી યથાવત છે.